માતાના મઢથી દર્શન કરી પરત ફરતા પરિવારને માળિયા પાસે નડ્યો અકસ્માત: ૪ના મોત, ૨ ગંભીર

મોરબીના માળિયા-કચ્છ હાઇવે પર હરીપર ગોળાઇ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં પરિવારના સભ્યો સહિત ઇકો ચાલકનું પણ મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત મામલે ઇજા પામનાર જાગૃતિબેન ચૌહાણે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાગૃતિબેન મનોજભાઈ કાપડીયા એ ઇકો કારના ચાલક અને તેમના ભાણેજ મરણ જનાર ભરતભાઈ વિરાભાઈ બામણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓ પોતાના પરિવાર સાથે આશાપુરા માતાના મઢે દર્શન કરીને ઇકો ગાડી નંબર DD-02-G-8314 માં પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન માળિયા-કચ્છ હાઇવે પર સુરજબારી પુલથી માળિયા તરફ આવતા હરીપર ગોળાઇ પાસે ચાલક ભરતભાઈએ ગાડીની સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી ઇકો ગાડી રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી આવતા ટ્રક નંબર RJ-52-GB-2885 સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ફરિયાદીના પતિ મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડીયા, નણંદ કંચનબેન બામણીયા, ૮ વર્ષનો દીકરો જિયાન્સુ અને ઇકો ચાલક ભરતભાઈ બામણીયાનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જાગૃતિબેન અને તેમની ૧૨ વર્ષની દીકરી વૈદશ્રીને થાપાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના અંગે માળિયા મિયાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.