

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડી, તેની પાસેથી ચોરીમાં ગયેલી એક ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાયકલ કબજે કરીને અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસે બીલ્વા કોમ્પ્લેક્સ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા આરોપી પાર્થ પ્રફુલભાઇ ફડદુ (ઉં.વ.૨૬, રહે. હાલ મોરબી-૨, મહેન્દ્રનગર સીએનજી પેટ્રોલ પંપ પાસે, મૂળ રહે. ગામ કણેરી, તા. કેશોદ, જી. જુનાગઢ) ની પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે આવેલા ‘જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસ’માંથી રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતની હ્યુન્ડાઇ કંપનીની ‘ગ્રાન્ડ આઇ.10’ કાર (નંબર: GJ-36-B-4003) ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત તેણે મહેન્દ્રનગર ઘાયડી વિસ્તારમાંથી રૂ. ૩૫,૦૦૦ ની કિંમતનું હીરો કંપનીનું ‘સ્પ્લેન્ડર પ્લસ’ મોટરસાયકલ (નંબર: GJ-36-AB-0294) પણ ચોર્યું હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આ બંને ચોરાઉ વાહનો કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.