



મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલા માર્ગો પરથી પૂરના પાણી ઓસરતાં જ વહીવટી તંત્ર દ્વારા વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અન્વયે આદરણાથી સનાળા (તળાવીયા) વચ્ચેના માર્ગ પર આવેલી ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પાણીનું સ્તર ઘટતાં જ બંધ કરાયેલો રસ્તો સલામત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહારની સ્થિતિ અને માર્ગની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ સ્થળ મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરીને સૂચના આપી હતી કે, જિલ્લામાં હજી પણ જે રસ્તાઓ કે કોઝ-વે પરથી પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું હોય, ત્યાં નાગરિકોની સલામતી અર્થે જો બેરીકેટિંગ ન હોય તો તાકીદે બેરિકેટિંગ મૂકી વાહનવ્યવહાર અટકાવવો તથા જરૂર જણાય ત્યાં પોલીસ સુરક્ષા તૈનાત કરવી.