



મોરબી નજીક ઘૂંટુ ગામ પાસે આવેલી બ્રાંચ કેનાલ (૧૦૮ કિમી, ૭૨૦ મીટર સાંકળ) માં ગાબડું પડવાની ઘટના સામે આવતાં કેનાલમાંથી કાલિન્દ્રી નદી તરફ વહી રહેલા કેનાલના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.
સ્થળ તપાસ દરમિયાન કલેક્ટરએ કેનાલમાં પાણીનું પ્રમાણ ઘટતાં જ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. સાથોસાથ જો આ પાણીના કારણે આસપાસના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોય તો ત્વરિત સર્વે હાથ ધરી સરકારના નીતિ-નિયમો મુજબની કાર્યવાહી કરવા પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
આ મુલાકાત વેળાએ મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદારશ્રી અલ્પેશ પરમાર, નર્મદા મોરબી બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર એમ.એ. ખોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


