




હળવદનાં નવા અમરાપર ગામની સીમમાં કેનાલ પાસે આવેલી વાડીએ મોટરસાઇકલ સરખું ચલાવવા અને ઝઘડો નહીં કરવા સમજાવવા બાબતે થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ લોખંડના ધારીયા, પાઇપ અને ધોકા વડે હુમલો કરી એક વ્યક્તિને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી મુજબ નવા અમરાપર (ગણેશપુર) ગામના રહેવાસી પ્રકાશભાઈ ભૂપતભાઈ સુરેલાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રિભોવન દેવા અદગામા, મેરા ત્રિભોવન અદગામા, લાલજી કાના અદગામા અને વિક્રમ રવજી અદગામા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદીએ આરોપી મેરા અદગામાને શેરીમાં મોટરસાઇકલ સરખું ચલાવવા અને ઝઘડો નહીં કરવા સમજાવ્યો હતો. આ બાબતનો ખાર રાખીને ચારેય આરોપીઓ વાડીએ આવ્યા હતા. આરોપી ત્રિભોવન અદગામાએ લોખંડના ધારીયાથી, મેરા અને લાલજીએ લોખંડના પાઇપથી તથા વિક્રમે લોખંડના ધોકાથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને બંને હાથે તથા નાકના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
