




મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક સંઘર્ષશીલ રેપ પીડિત દીકરીનું શિક્ષણ અટકે નકી એ માટે મદદનો હાથ લંબાવ્યો છે. આર્થિક સંકડામણ અને કોલેજની ફી ભરવાની અસમર્થતા સામે ઝઝૂમતી આ દીકરી માટે સોસાયટીએ સહાય પૂરી પાડીને તેના સપનાઓને નવું જીવન આપ્યું છે.
દિલ્હીની પ્રતિષ્ઠિત દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ દીકરી માટે તેના પ્રોફેસર દ્વારા શહેરની કેટલીક મોટી અને જાણીતી સંસ્થાઓ સમક્ષ ફી માટે મદદની અપીલ કરવામાં આવી હતી. જોકે, ત્યાંથી પણ કોઈ સહાય ન મળતા જ્યારે તમામ દરવાજા બંધ થઈ ગયા હતા, ત્યારે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીએ દીકરીની ગંભીર પરિસ્થિતિને સમજીને તાત્કાલિક સહકાર આપ્યો હતો અને તેની કોલેજની ફીની રકમ ભરીને શિક્ષણ ચાલુ રાખવામાં મોટો સહયોગ આપ્યો હતો.
સંસ્થાનો હંમેશાંથી એવો અભિગમ રહ્યો છે કે મદદ કરતી વખતે વ્યક્તિનું સ્થળ કે ઓળખ નહીં, પરંતુ તેની જરૂરિયાતને પ્રાથમિકતા મળવી જોઈએ. સંસ્થાનું માનવું છે કે કોઈ દીકરી સાથે થયેલી દુઃખદ ઘટના તેના ભવિષ્ય કે સપનાઓને છીનવી ન શકે, કારણ કે આવી દીકરીઓને દયા નહીં પરંતુ સન્માન અને આગળ વધવાની તક જોઈએ. મુસ્કાન વેલફેર સોસાયટીએ માત્ર મોરબી પૂરતું જ નહીં પરંતુ દિલ્હી સુધી મદદ પહોંચાડીને સમાજને ‘સેવા એ જ સંસ્કાર’નો રાહ ચીંધ્યો છે અને અન્ય વર્ગોને પણ આવી દીકરીઓની વહારે આવવા અપીલ કરી છે.
