મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ‘બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શન’ આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન

                શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પાવન સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી સેવાકેન્દ્ર દ્વારા સ્થાનિક સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે એક ભવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

                આ પ્રદર્શનીમાં મુખ્ય આકર્ષણ તરીકે પવિત્ર અમરનાથ ગુફાની પ્રતિકૃતિ સમાન બરફીલા બાબા‘ (બરફના અમરનાથ શિવલિંગ) અને ભારતભરમાં પથરાયેલા પવિત્ર બાર (૧૨) જ્યોતિર્લિંગોની દિવ્ય પ્રતિકૃતિઓ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આધ્યાત્મિક પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા ઘરઆંગણે જ પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગ અને અમરનાથ ધામના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે તેમજ શિવ આરાધનાના સાચા આધ્યાત્મિક રહસ્યોને સમજી શકે તેવો રાખવામાં આવ્યો હતો. પ્રદર્શની દરમિયાન બ્રહ્માકુમારીઝના સમર્પિત બહેનો, માતાઓ અને કુમારીઓ દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને મહાદેવના સાચા સ્વરૂપ અને રાજયોગ મેડિટેશન (ધ્યાન) વિશે સુંદર અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.

                ભગવાન શિવ આપણને વિકારો અને નકારાત્મકતાનો ત્યાગ કરી પવિત્ર જીવન જીવવાનો જે સંદેશ આપે છે, તેને જીવનમાં કેવી રીતે ઉતારવો તે અંગે આ પ્રદર્શનીમાં સુંદર ચિત્રો અને મોડેલ્સ દ્વારા સમજણ આપવામાં આવી. મોરબી અને આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રદર્શનીનો લાભ લેવા તેમજ દર્શન-આરતીનો પુણ્ય કમાવવા માટે બ્રહ્માકુમારીઝ પરિવાર અને સત્યેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું.

Leave A Reply

Your email address will not be published.