મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ભારતીય નાગરિકત્વની પેન્ડિંગ અરજીઓની યોજાઈ રિવ્યૂ બેઠક

આગામી બે મહિનામાં દર અઠવાડિયે ૩૦-૩૦ અરજદારોને સાંભળી તમામ અરજીઓનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરની સૂચના

 

મૂળ પાકિસ્તાનના અને હાલ ભારતમાં વસવાટ કરતા લઘુમતી સમુદાયના નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સુગમ બને તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં વિશેષ રિવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન કલેક્ટરએ અરજદારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને અરજીઓ પેન્ડિંગ રહેવાના કારણો ઝીણવટપૂર્વક જાણ્યા હતા. વાલીઓના જન્મના પુરાવાના અભાવે પેન્ડિંગ રહેલી ૧૬ જેટલી અરજીઓના કિસ્સામાં અન્ય જરૂરી આધારો કે એફિડેવિટ ધ્યાને લઈ સકારાત્મક નિર્ણય લેવા સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત, નવા સી.એ.એ. (CAA) પોર્ટલ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટઓને અરજીઓના નિકાલની સત્તા મળેલ હોય, તે અંગે અરજદારોને માહિતગાર કરી હવેથી દર અઠવાડિયે ૩૦-૩૦ અરજદારોને સાંભળીને આગામી બે મહિનામાં તમામ પેન્ડિંગ અરજીઓનો ત્વરિત નિકાલ કરવા આદેશો આપ્યા હતા. કલેક્ટર તરફથી મળેલી સ્પષ્ટ સૂચનાઓ અને યોગ્ય માર્ગદર્શન બદલ તમામ અરજદારોએ વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.