

વાંકાનેરનાં જેતપરડા રોડ પર આવેલી એક સેનેટરીવેર ફેક્ટરીની લેબર કોલોનીમાં શૌચ કરાવવા જેવી સામાન્ય બાબતે ડખ્ખો થતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પાડોશમાં રહેતા શખ્સોએ ફરિયાદી મહિલા, તેના પતિ અને બે પુત્રોને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ફટકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસે છ શખ્સો વિરુદ્ધ રાયોટીંગ અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


બનાવની વિગત મુજબ, સ્નોબ સેનેટરીવેરમાં મજૂરી કરતા જોશનાબેન ચાવડાએ તેમના પાડોશી મનીષાબેન અને રાહુલભાઈને તેમના રૂમ સામે બાળકને શૌચ ન કરાવવા અને શૌચાલયનો ઉપયોગ કરવા સમજાવ્યા હતા. આ વાતનું મનદુઃખ રાખી રાહુલભાઈ, મનીષાબેન અને અન્ય ચાર શખ્સો રોહિત, ગોપાલ, સાગર અને દિનેશએ પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં રાહુલે લાકડાના ફટકા વડે જોશનાબેનના પુત્ર તરુણને કાનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય સભ્યોને ઢીકાપાટુનો માર મારી એક પુત્રને ગટરમાં ફેંકી દીધો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.