

હળવદ તરફથી આવતા એક ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ધસી આવી સામેથી આવતા આઈસર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં આઈસર ચાલકને જમણા પગમાં ફેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે આઈસરમાં સવાર અન્ય ત્રણ મજૂરો રોહિતભાઇ, સંતોષભાઈ તથા દિપુભાઈ ને પણ નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હળવદ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ધાંગધ્રાના પંકજગીરી ગોસ્વામી પોતાનું આઈસર લઈને મોરબીથી સેન્ટિંગનો સામાન ભરી પરત ફરી રહ્યા હતા. રાત્રિના નવેક વાગ્યાના અરસામાં સુંદરગઢ ગામ પાસે આવેલ નદીના બ્રિજ પાસે પહોંચતા સામેથી પુરઝડપે આવતા ટ્રક નંબર GJ-36-X-6038 ના ચાલકે ગફલતભરી રીતે ટ્રક રોંગ સાઈડમાં ચલાવી આઈસર સાથે સામસામે ભટકાડી દીધો હતો. અકસ્માત થતા આઈસર ચાલક કેબિનમાં દબાઈ ગયા હતા, જેમને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. હાલમાં હળવદ પોલીસે ટ્રક નંબરના આધારે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.