મોરબી કોર્ટે એકાવન લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ અને એક વર્ષની સજા ફટકારી

મોરબીની સિરામિક પેઢી પાસે ખરીદી કરી મહારાષ્ટ્રની એક પેઢીએ ચુકવણી પેટે ચેક લખી આપ્યો હતો. ચેક રીટર્ન થતા સિરામિક પેઢી દ્વારા ચેક રીટર્નની ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ૯% વ્યાજે રકમ પરત કરવા હુકમ કર્યો છે.

મોરબીની સીરામીક ટાઈલ્સનું ઉત્પાદન કરતી ગ્રીનસીટી સીરામીક પેઢી પાસેથી થાણે—મહારાષ્ટ્રની રૂદ્રાક્ષ ઈમ્પેકસના નામે ધંધો કરતા પ્રોપરાઈટર સંતોષ ઝા એ સીરામીક ટાઈલ્સની ખરીદી કરેલ જેની લેણી નિકળતી રકમ રૂા. ૫૧,૨૩,૩૨૩ની ચૂકવણી માટે રૂદ્રાક્ષ ઈમ્પેકસ ના ખાતાનો ચેક સંતોષ ઝા એ ગ્રીનસીટી સીરામીકના નામે લખી આપ્યો હતો. જે ચેક પેઢી દ્વારા પોતાના ખાતામાં ભરતાં ચેક વસુલ થયા વગર બેન્કમાંથી પરત ફરતાં પેઢીએ વકીલ આર.એ.પટેલ મારફત કાનૂની નોટીસ રૂદ્રાક્ષ ઈમ્પેકસને પાઠવી ચેક રીટર્ન થયાની જાણ કરેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહિં આપતા ગ્રીનસીટી સીરામીક પેઢીએ મોરબીની અદાલતમાં ચેક રીટર્નની ફરીયાદ રૂદ્દાક્ષ ઈમ્પેકસ અને સંતોષ ઝા વિરૂધ્ધ દાખલ કરેલ હતી અને તે ફરીયાદ મોરબીના બીજા એડિશ્નલ સિવિલ જજ અને જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જજની અદાલતમાં ચાલી જતાં અને સમગ્ર પૂરાવાનું મૂલ્યાંકન કરી અદાલત દ્વારા આરોપી રૂદ્દાક્ષ ઈમ્પેકસ (સંતોષ ઝા) ને કસુરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા ચેક મુજબની રકમ રૂા. ૫૧,૨૩,૩૨૩ની ડબલ રકમ રૂા.૧,૦૨,૪૬,૬૪૬ નો દંડ ફરમાવવામાં આવ્યો છે તથા તે દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજસહિત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસૂર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે

ફરીયાદી તરફે વકીલ આર.એ.પટેલ, એન.એલ.વડસોલા તથા ઈન્ટર્ન મિતાલી ભોજાણી, મૌલી કાવર રોકાયેલ હતા.

Leave A Reply

Your email address will not be published.