

આજ તારીખ 9 ઓગષ્ટ ૨૦૨૬ નાં દિવસે ટંકારા મુકામે વિશ્વ આદિવાસી દિવસની મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહારેલીમાં આદિવાસી સમાજનાં લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવાં મળ્યા, તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે નીકળેલી આ રેલી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ નીકળી હતી જેમાં આદિવાસી સમાજ સાથે દરેક સમાજનાં લોકો પણ ઝૂમી ઉઠ્યા. પરંપરાગત તીર કમાન સાથે નીકળેલા લોકો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં.
બિરસા મુંડાનાં નાદ અને ટીમલી સોંગની સાથે આખું ટંકારા શહેર ઝુમી ઉઠ્યું. તેમજ આ મહારેલી શાંત સ્વરૂપમાં નીકળી હતી. વિશ્વ આદિવાસી દિવસ એ પૂરા વિશ્વમાં મનાવવામાં આવતો દિવસ છે, પૂરા વિશ્વમાં ઉજવવામાં આવતા તહેવારો જૂજ છે જેમાં વિશ્વ આદિવાસી દિવસ એ સૌથી મોખરે છે, કારણ કે આખા વિશ્વમાં આદિવાસી લોકો પથરાયેલાં છે જે જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા છે અને વિશ્વના પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા હોઈ ભારતના મૂળ નિવાસી છે. આવાં મૂળ નિવાસીઓની રેલી જે ટંકારા જેવા બિન આદિવાસી વિસ્તારમાં નીકળે એ ખરેખર ગૌરવની વાત છે.
વર્ષોથી આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ જણાવે છે કે અમો છેલ્લા પાંચ વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બનેલ નથી. હાલમાં આ રેલીને જે સર્વ સમાજનો સપોર્ટ મળ્યો, તેમજ ટંકારા નગરપાલિકા કોર્પોરેટરો તેમજ તાલુકા જીલ્લા સદસ્યોએ મહારેલીને સન્માન સત્કાર કર્યા હતાં. આમ આ રેલીમાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યાંય ટ્રાફિકને અડચણ વિના આ રેલી ટંકારાનાં મુખ્ય માર્ગો ઉપર ફરીને આંબેડકર ભવન પર સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ તેમજ દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્ર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર વગેરે એ જહેમત ઉઠાવી હતી.



