


હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા ૬૨ વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છગનભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉં.વ. ૬૨) નામના વૃદ્ધનું વર્ષ ૨૦૧૨માં અકસ્માત થયું હતું, જેમાં તેમણે છાતીના ભાગે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ અકસ્માત બાદથી તેઓ માનસિક તકલીફથી પીડાતા હતા અને અવારનવાર મરી જવાની વાતો કરતા હતા. દરમિયાન ગઈ તારીખ ૧૮/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના તેઓ પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રણજીતગઢ ગામ પાસે આવેલ રેલવે લાઈનમાં ૭૧ નંબરની ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકતા તેમને માથામાં તેમજ ડાબા હાથે અને પગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે આ અંગે આગળની તપાસ ચલાવી છે.