


મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં જમણો હાથ આવી જતાં ગંભીર રીતે ઘવાયેલા મધ્યપ્રદેશના વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા વિનોદભાઇ રામપ્રસાદ નટ (ઉં.વ. ૩૮) નામના યુવક ગઈ તારીખ ૧૭/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧ વાગ્યાના સુમારે કારખાનાના માટી ખાતામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેમનો જમણો હાથ આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિનોદભાઇને વધુ સારવાર અર્થે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.