હળવદ સદ્દભાવના વિદ્યાલયમાં નવનિર્મિત વહીવટી ઓફિસનું સંતોના આશીર્વાદથી ભવ્ય લોકાર્પણ

વૈદિક મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન; શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

 

હળવદ સદ્દભાવના વિદ્યાલય ખાતે નવનિર્મિત વહીવટી (એડમિન) ઓફિસનું શુક્રવારે સંતોના આશીર્વાદ, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયો હતો, જેમાં સંત-મહંતો, લોકપ્રતિનિધિઓ, આગેવાનો, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી.

 

કાર્યક્રમમાં પરમ પૂજ્ય શાસ્ત્રીશ્રી ભક્તિનંદનદાસજી સ્વામી, શ્રીજીવસ્વરૂપદાસજી સ્વામી (નવા મંદિર, હળવદ), ભક્તિવલ્લભદાસજી સ્વામી (હરિકુંજધામ), નીલકંઠ પ્રસાદદાસજી સ્વામી (ચરાડવા) તથા દિવ્યપ્રકાશદાસજી સ્વામી (લક્ષ્મીનારાયણ મંદિર)ના પાવન હસ્તે રિબન કાપી નવી ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંતોએ પ્રસાદી અર્પણ કરી શાળાની ઉત્તરોત્તર પ્રગતિ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સદ્દભાવના વિદ્યાલય માત્ર શિક્ષણ નહીં પરંતુ સંસ્કારનું પણ કેન્દ્ર છે. નવી વહીવટી ઓફિસથી સંસ્થાની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને વધુ અસરકારક સેવાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન હળવદ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જશેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રમેશભાઈ કણઝરીયા, ડૉ. અનિલભાઈ પટેલ, અમૃતભાઈ ચૌહાણ, પ્રહલાદભાઈ પરમાર તેમજ હળવદ છાત્રાલયના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત આગેવાનો અને ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

 

શાળાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ દલવાડિયાએ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નવી વહીવટી ઓફિસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફને વધુ સુવિધાજનક અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમને સફળ બનાવવા કે.સી. કણઝરીયા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય સંજય સોનગરા, પ્રાથમિક વિભાગના આચાર્ય જીતેન્દ્ર પરમાર, સંચાલક મુકેશભાઈ કણઝરીયા, ટ્રસ્ટીગણ, શિક્ષકમિત્રો અને મેનેજમેન્ટ ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.