


રાજ્ય સરકારની ૧૯૬૨ મોબાઇલ પશુ ચિકિત્સા સેવા માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના જીવ બચાવી પશુપાલકોમાં વિશ્વાસ જગાવતી જીવનદાયી સેવા તરીકે સતત કાર્યરત છે. હળવદ તાલુકાના નવા અમરાપર ગામે ૧૦ દિવસના નર વાછરડામાં ગંભીર નકલિંગ (Contracted Tendons) ની સમસ્યા જોવા મળી હતી. સમયસર સારવાર મળતા વાછરડાનો પગ બચાવી શકાયો હતો.
વાછરડાના આગળના પગમાં જન્મજાત ટેન્ડનની ગંભીર વિકૃતિ હોવાથી તે સામાન્ય રીતે ઊભું રહી શકતું ન હતું અને ઘૂંટણના ભાગે ચાલવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલકે તરત જ ૧૯૬૨ હેલ્પલાઇન પર સંપર્ક કરતાં મોબાઇલ પશુ ચિકિત્સા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પશુ ચિકિત્સક ડૉ. અનિલ ચૌધરી અને ડૉ. અનુજ ગઢીયા દ્વારા વાછરડાની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક નિદાન બાદ જાણવા મળ્યું કે વિકૃતિ ગંભીર હોવાથી માત્ર સ્પ્લિન્ટિંગથી સારવાર શક્ય નહોતી. તેથી સ્થાનિક એનેસ્થેશિયા હેઠળ Superficial Digital Flexor Tendon અને Deep Digital Flexor Tendon ની Tenorrhaphy સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
સર્જરી બાદ વાછરડાના પગને યોગ્ય સ્થિતિમાં રાખી જરૂરી ડ્રેસિંગ અને સારવાર આપવામાં આવી હતી. સમયસર સારવાર મળતા વાછરડાની સ્થિતિ સ્થિર બની હતી અને તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રવિ ચૌહાણ તથા પ્રોગ્રામ મેનેજર ડૉ. શોયેબ ખાન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
પશુપાલકોએ જણાવ્યું હતું કે ૧૯૬૨ મોબાઇલ પશુ ચિકિત્સા સેવા ગામડાં સુધી નિઃશુલ્ક અને ઝડપી સારવાર પહોંચાડીને પશુધનનું રક્ષણ કરી રહી છે. આવી સેવાઓ પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની રહી છે અને આર્થિક નુકસાન અટકાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વરસાદી ઋતુ તેમજ જન્મજાત વિકૃતિ, અકસ્માત અથવા અન્ય તાત્કાલિક પશુ આરોગ્ય સંબંધિત સમસ્યા સર્જાય ત્યારે વિલંબ કર્યા વગર ૧૯૬૨ મોબાઇલ પશુ ચિકિત્સા સેવા નો સંપર્ક કરવા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે. આવી સેવાઓ દ્વારા રાજ્યમાં પશુ કલ્યાણ અને પશુપાલકોના હિતોની અસરકારક રીતે જાળવણી થઈ રહી છે.


