


હળવદ: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે હળવદ શહેર તથા તાલુકા યુવા ભાજપ અને હળવદ માર્કેટિંગ યાર્ડના સંયુક્ત ઉપક્રમે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા તેમજ ભક્તિનંદન સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન રજનીભાઈ સંઘાણી, રમેશભાઈ ભગત, હળવદ શહેર ભાજપ પ્રમુખ યશ પટેલ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયા, ગીરીશભાઈ લકુમ,કિશોરભાઈ કવાડીયા, અમૃતભાઈ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં રક્તદાનનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે. કાર્યક્રમના અંતે રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજહિતના આવા સેવાકીય કાર્યોમાં સતત જોડાયેલા રહેવા અનુરોધ કરવામાં આવ્યો.
મયુર રાવલ હળવદ


