

હળવદ-મોરબી ચોકડી પાસે પૂરઝડપે આવતી એક કારના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ડાબા પગે ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હળવદના સૈયદવાસ વિસ્તારમાં રહેતા મહેબુબભાઈ નથુભાઈ સિપાઈ પોતાનું એક્ટિવા નંબર GJ-36 AN-6860 લઈને હળવદ-મોરબી ચોકડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર નંબર GJ-36 AP-7380 ના ચાલકે પોતાની કાર બેફિકરાઈથી અને પૂરઝડપે ચલાવી મહેબુબભાઈના એક્ટિવા સાથે જોરદાર અથડાવી હતી. આ અકસ્માતમાં મહેબુબભાઈને ડાબા પગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ભોગ બનનારે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.