મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર પાનના ગલ્લામાંથી નજર ચુકવી ૩૦ હજારની ઉઠાંતરી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી એક પાન-કોલ્ડ્રિંક્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચુકવી ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. વેપારી ઠંડા પીણાની બોટલ લેવા ઊભા થયા તે તકનો લાભ ઉઠાવી આરોપીએ હાથફેરો કર્યો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નાની વાવડી પાસે ભગવતી પાર્કમાં રહેતા શૈલેષભાઇ દામજીભાઇ સોલંકી રેલ્વે સ્ટેશન રોડ પર ‘રાજુ પાન એન્ડ કોલ્ડ્રીક્સ’ નામની દુકાન ધરાવે છે. ગત તારીખ 25 એપ્રિલના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે કુલદીપ ઉર્ફે કાલી સરદારજી (રહે. રણછોડનગર, મોરબી) નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો. આરોપીએ ઠંડા પીણાની બોટલ માંગતા શૈલેષભાઇ જેવો બોટલ લેવા માટે ઊભા થયા, કે તરત જ આરોપીએ ગલ્લાના ખાનામાં રાખેલા રૂ ૩૦ હજાર રોકડ રકમની ચોરી કરી લીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.