

મોરબી જીલ્લામાં એક દિવસમાં અપમૃત્યુના ૩ બનાવમાં ૩ મોત થયા હતા. આ ઘટનાઓમાં એક યુવાનનું સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન અકસ્માતે મોત થયું હતું, જ્યારે એક પરિણીતા અને એક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ ઘટના મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી પ્રખ્યાત ‘સિમ્પોલો સિરામિક’ કંપનીમાં બની હતી. અહીં વેરહાઉસ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ૨૩ વર્ષીય ઉત્તર પ્રદેશના વતની ઘનશ્યામ મદનમોહનનું કામ દરમિયાન અકસ્માતે મોત નીપજ્યું છે. ટાઇલ્સ ઉપાડતી વખતે ફોર્કલિફ્ટ મશીન અચાનક પલટી મારી જતાં ઘનશ્યામભાઈ તેની નીચે દબાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં મોરબીના જોધપર નદી ગામે ૩૧ વર્ષીય પરિણીતા આરતીબેન વીરમભાઇ કમોયાએ પોતાના પીયરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ જામનગર જિલ્લાના દળિયા ગામના રહેવાસી આરતીબેન કોઈ અગમ્ય કારણોસર રાત્રિના સમયે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા જ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ત્રીજી ઘટના ટંકારાના ધૃવનગર ગામે બની હતી, જ્યાં ૩૬ વર્ષીય શંકરભાઇ પોલાભાઇ રાણા નામના યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાને કયા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ટંકારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને અગમ્ય કારણોસર થયેલા આ આપઘાત અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


