રવાપર ચોકડીએ મહિલાઓનો ચક્કાજામ: બિસ્માર રસ્તા મુદ્દે થાળી-વેલણ વગાડી તંત્ર સામે ઉગ્ર વિરોધ

મોરબીના રવાપર ગામ અને રવાપર ચોકડી ખાતે મહિલાઓ દ્વારા બિસ્માર રસ્તાઓની સમસ્યાથી કંટાળીને આશરે અઢીથી ત્રણ કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી અને વેલણ વગાડીને તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રવાપર પંચાયત સમયથી મંજૂર થયેલા રોડના કામો મોરબી મહાનગરપાલિકામાં ભળ્યા બાદ પણ દોઢથી બે વર્ષ સુધી ન થતાં આખરે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.

સ્થાનિક લક્ષ્મીનગર અને વૈભવ લક્ષ્મી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ રસ્તાઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે લોકોને અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. રવાપર ચોકડીએ ચક્કાજામ કર્યા બાદ મહિલાઓનું ટોળું ઉગ્ર રજૂઆત કરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પી.આઈ. સહિતનો પોલીસ કાફલો પરિસ્થિતિ સુચારુ કરવા ધારાસભ્યની ઓફિસે દોડી ગયો હતો. ત્યારબાદ મહાપાલિકાના ઈજનેરને સાથે રાખીને સ્થાનિકો રસ્તાની સ્થિતિ બતાવવા રવાના થયા હતા.

રજૂઆત દરમિયાન લક્ષ્મીનગર સોસાયટીના રહીશ અન્નપૂર્ણાબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રસ્તો બે વર્ષ પહેલાં મંજૂર થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ધારાસભ્ય કાર્યાલય ખાતેથી તેમને ૧ અઠવાડિયામાં કામ શરૂ કરી આપવાની લેખિત ખાતરી આપવામાં આવી છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આપવામાં આવેલી ખાતરી મુજબ આઠ દિવસમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ ૯મા દિવસે ફરીથી એકત્ર થઈને આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરશે.

સામે પક્ષે કોર્પોરેટર રવિ સનાવડાએ સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે વૈભવ લક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઇટ્સ સુધીનો રોડ રાજ્ય સરકારની ૮૦-૨૦ યોજના હેઠળ મંજૂર થયેલો છે, જેમાં રહીશોના હિસ્સાનો ૨૦% લોકફાળો પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ પોતાની ગ્રાન્ટમાંથી ભરી આપ્યો છે. અગાઉ બે વખત ટેન્ડર પ્રક્રિયામાં સિંગલ એજન્સી આવતા કામ આપી શકાયું ન હતું, પરંતુ ત્રીજી વખત ટેન્ડરિંગમાં ૩ એજન્સીઓના ભાવ આવી ગયા છે. આ ભાવ ખોલીને સૌથી ઓછા ભાવ ભરનાર (L1) એજન્સીને અઠવાડિયામાં વર્ક ઓર્ડર આપી દેવાશે અને આગામી ૧૫ દિવસમાં રોડનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ કરી દેવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.