

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ૩ બનાવોમાં ૩ના મોત નીપજ્યા હતા છે. જેમાં કારમાં મુસાફરી દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા, કારખાનામાં લોખંડનો ટાંકો માથા પર પડતાં અને ભૂલથી પાણીના બદલે એસિડ પી જવાથી ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
માણેકવાડા શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ પ્રૌઢનું મોત
પ્રથમ બનાવમાં, આમરણ ગામના વતની ૫૦ વર્ષીય કમલેશભાઈ ટપુભાઈ મેરજા ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા. તે દરમિયાન માણેકવાડા ગામ પાસે અચાનક તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા.
ધમલપર ચોકડી પાસે કારખાનામાં લોખંડનો ટાંકો માથા પર પડતાં યુવાનનું મોત
બીજા બનાવમાં, વાંકાનેરમાં ધમલપર ચોકડી પાસે આવેલ ફોરચ્યુન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં હાઇડ્રો મશીન વડે લોખંડનો ટાંકો ઊંચકીને ગાડીમાં ચડાવતી વખતે ટાંકો સરખો કરવા જતાં અચાનક માથા પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૩૩ વર્ષીય કુશહર જગલાલ ગોંડને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રતાપગઢમાં પાણી સમજી ભૂલથી એસિડ પી જતાં વૃદ્ધનું મોત
જ્યારે ત્રીજા બનાવમાં, હળવદના પ્રતાપગઢ ગામે વયોવૃદ્ધ હોવાના કારણે બરાબર સાંભળી કે જોઈ ન શકતા ૭૭ વર્ષીય મગનલાલ અરજણભાઈ ફુલતરીયાને તરસ લાગી હતી. જેથી તેઓએ પાણીયારા પાસે પડેલી એસિડની બોટલને ભૂલથી પાણીની બોટલ સમજીને તેમાંથી એસિડ પી લીધું હતું. તેઓને તુરંત મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.