મહેન્દ્રનગર ગામે ભાજપનો વિરોધ કરનારને પાણી નહિ મળે, સોશ્યલ મીડિયા ચેટ વાયરલ
ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું એટલે પાણી આપવાનું થતું નથી ?


મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો પર વિજય મેળવી ભાજપે કબજો કર્યો છે અને હજુ મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવાની બાકી છે તે પૂર્વે જ ચૂંટાયેલા કોર્પોરેટરની દાદાગીરી જોવા મળી રહી છે વોર્ડ ૧ ના કોર્પોરેટર દ્વારા એક યુવાનને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી જે ઘટના હજુ તાજી છે ત્યારે હવે વોર્ડ ૩ માં પાણીની રજૂઆત કરનાર આગેવાનને ગ્રુપમાંથી રીમૂવ કરી દેવામાં આવ્યા છે ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી તેવી વાતો થતા ભાજપની દાદાગીરી અને તાનાશાહી જોવા મળી રહી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ વોર્ડ ૦૩ માં ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ જાણે કે વિસ્તારને પોતાની વારસાઈ પેઢી માનતા હોય એવું લાગી રહ્યું છે. મહેન્દ્રનગરમાં ઉનાળામાં પૂરતું પીવાનું પાણી આવતું નથી જેથી ભાજપ વોર્ડ નંબર 3 ના વ્હોટસએપ ગ્રુપમાં એક પ્રભુકૃપાના આગેવાનએ રજૂઆત કરતા તેમણે તાજેતરમાં જ ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા તેમને અપમાનિત કરી ગ્રુપ માંથી કાઢી નાખ્યા અને કહ્યું કે આ લોકો તો ભાજપની વિરુદ્ધ કામ કરતા હતા ચૂંટણીમાં એટલે એમને પાણી આપવાનું થતું નથી અને તેમને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી આમ હજુ મહાપાલિકામાં શાસન શરુ થયું નથી ત્યારે ભાજપ કોર્પોરેટરો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે
જે મામલે વોર્ડ ૩ ના ભાજપ કોર્પોરેટર જીજ્ઞેશભાઈ કૈલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પાણી વિતરણ થતું હોય એમાં પાઈપલાઈનથી બધાને પાણી મળે છે વચ્ચે ૩-૪ ઘરને ના મળે તેવી કોઈ સીસ્ટમ છે જ નહિ કોંગ્રેસ પાસે કોઈ મુદા નથી અને ખોટા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરે છે પ્રજાના મુદે અવાજ વિપક્ષે ઉઠાવવો જોઈએ અને સત્તાધારી પક્ષ તરીકે અમારી જવાબદારી છે તમામને પાણી સહિતની સુવિધાઓ આપવી અને ભાજપના શાસનમાં સમાન રીતે બધાને પાણી સહિતની સુવિધાઓ મળશે તેવી ખાતરી આપી હતી