


ટંકારાના મેઘપરઝાલા ગામની સીમમાં જમીન માપણી અને શેઢા પર ખુંટા મારવાની બાબતમાં થયેલા સામાન્ય ઝઘડામાં પાડોશી વાડી માલિકના બે પુત્રોએ ખેડૂતના યુવાન પુત્ર અને તેના ભાઈ પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાકા અને તેમના ભત્રીજાનું મોત નીપજ્યુ હતું. ડબલ મર્ડરની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે.

બનાવની વિગત મુજબ, ટંકારાના મેઘપરઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની ભોગવટાની જમીનમાં સરકારી માપણી કરાવીને શેઢાના ભાગે ખુંટા મારતા હતા. આ સમયે તેમની સાથે તેમનો ૨૨ વર્ષનો દીકરો હર્ષવર્ધનસિંહ અને ૪૦ વર્ષનો ભાઈ ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયપાલસિંહ પણ હાજર હતા. ફરિયાદીની વાડીની બાજુની વાડીના માલિક મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના દીકરાઓ મહાવિરસિંહ અને તેજપાલસિંહને ફરિયાદી માપની કરી ખૂંટા મારતા હોય તે ન ગમતાં, તેઓ મોટરસાઇકલ લઈને વાડીએ ધસી આવ્યા હતા. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને હર્ષવર્ધનસિંહ અને જયપાલસિંહ પર તીક્ષ્ણ છરીઓ વડે તૂટી પડી શરીરના ભાગે જીવલેણ ઘા મારી દીધા હતા, જેના કારણે બંનેના મોત થયા હતા. ટંકારા પોલીસે આ મામલે પિતા દિગ્વિજયસિંહની ફરિયાદ પરથી આરોપી બંને ભાઈઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.