

કચ્છ રેન્જ આઈજી ગીરીશ ટી. પંડ્યા આજે મોરબી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લઈને અરજીઓના નિકાલ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતું.
આકસ્મિક નિરીક્ષણ દરમિયાન આઈજીએ પોલીસ સ્ટેશને આવેલા અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો સાંભળી હતી. અરજદારોની ફરિયાદો અને મુશ્કેલીઓ પ્રત્યે પોલીસની કામગીરીથી તેઓ કેટલા સંતોષ અનુભવે છે તે અંગે સીધો પ્રતિસાદ મેળવ્યો હતો. આ ઉપરાંત, અરજી મળ્યાની નોંધણીથી લઈને તેના આખરી નિકાલ સુધીની સમગ્ર વહીવટી પ્રક્રિયાનું તેમણે વિગતવાર ઇન્સ્પેક્શન કર્યું હતું.
પોલીસ કામગીરીમાં વધુ પારદર્શિતા આવે અને સામાન્ય અરજદારોને સમયસર ન્યાય મળે તેવા સ્પષ્ટ હેતુથી આ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, સંબંધિત પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.