

હળવદ : શહેરમાં ચાલી રહેલા માર્ગ વિકાસના કામોને ધ્યાનમાં રાખી હળવદ નગર પાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. માર્ગ નિર્માણ દરમિયાન રોડ પર જમા થયેલી માટી, ધૂળ, કપચી અને અન્ય કચરાને ટ્રેક્ટર, બ્લેડ મશીન તથા અન્ય સાધનોની મદદથી દૂર કરી સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
નગર પાલિકાના જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. સફાઈ કામગીરી ગુણવત્તાસભર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
મુખ્ય માર્ગ પર સતત વાહનવ્યવહાર રહેતો હોવાથી ધૂળ અને ગંદકીના કારણે નાગરિકોને પડતી મુશ્કેલી તેમજ અકસ્માતની શક્યતાઓ ઘટાડવાના હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ પૂર્ણ થયા બાદ માર્ગ વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનતાં વાહનચાલકો અને રાહદારીઓએ પણ રાહત અનુભવી હતી.
નગર પાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં જ્યાં જ્યાં વિકાસના કામો પૂર્ણ થશે ત્યાં તબક્કાવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે, જેથી નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે.
નગર પાલિકાની અપીલ
જાહેર માર્ગો પર કચરો ન ફેંકો, સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપો અને *”સ્વચ્છ હળવદ – સુંદર હળવદ”*ના સંકલ્પને સાકાર બનાવવા સૌ નાગરિકો સક્રિય ભાગીદાર બને તેવી અપીલ નગર પાલિકાએ કરી છે.
મયુર રાવલ હળવદ