


મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર ડિવાઈડર વચ્ચે મુકવામાં આવેલી સેફ્ટી ગ્રીલો અનેક જગ્યાએથી તૂટી ગઈ છે. વાહનોની સલામતી માટે મુકાયેલી આ ગ્રીલો જ હવે ગંભીર અકસ્માતોને નોતરું આપી રહી હોય એવું લાગી રહ્યું છે.

આ સમગ્ર મામલે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. હાઈવે પરથી પસાર થતાં દરેક નાના-મોટા વાહનો પાસેથી હાઈવે ઓથોરિટી દ્વારા નિયમિતપણે મસમોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત કર્યા પછી પણ રસ્તા કે ડિવાઈડરની યોગ્ય જાળવણી કરવામાં તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે. હાઈવે પર વચ્ચેની સેફ્ટી ગ્રીલ તૂટી ગઈ હોવાથી અચાનક રખડતા પશુઓ કે માનવો રોડ પર આવી ચડે છે, જેના કારણે પુરપાટ ઝડપે આવતા વાહનો માટે અચાનક બ્રેક મારવી મુશ્કેલ બને છે અને ભયાનક અકસ્માતો સર્જાય છે.
હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી અને આળસ નીતિને કારણે દરરોજ હજારો લોકો પોતાના જીવના જોખમે આ રોડ પરથી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ટોલનાકા પરથી પુરેપુરો ટેક્સ વસૂલતી ઓથોરિટી પોતાના કાયદેસરના કામ અને જાળવણી પ્રત્યે આટલી નિષ્કાળજી કેમ દાખવી રહી છે તેવો અણીયારો સવાલ ઉઠી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો કિંમતી જીવ જાય તે પહેલા તંત્ર તાત્કાલિક ઘોર નિંદ્રામાંથી જાગે. સમગ્ર મોરબી-વાંકાનેર હાઈવે પર જ્યાં પણ ગ્રીલો તૂટેલી કે ક્ષતિગ્રસ્ત છે તેનું વહેલી તકે મજબૂત રિપેરિંગ કામ કરવામાં આવે અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.