માળિયાના ઘાટીલા ગામની સીમમાં ડીઝલ ચોરી કરનાર એક ઝડપાયો, ત્રણ ઈસમો બાઈક લઈને ફરાર



માળિયા તાલુકાના ઘાટીલા ગામની સીમમાં પોલીસે રેડ કરી ડીઝલ ચોરી ઝડપી લીધી હતી અને ડીઝલ ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને બે લીટર ડીઝલ અને છરી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે ત્રણ ઈસમો મોટરસાયકલ લઈને નાસી ગયા હતા
માળિયા (મી.) તાલુકાના ઘાટીલા ગામે રહેતા રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજા (ઉ.વ.૫૩) વાળાએ આરોપીઓ સુમિત લાભુભાઈ ઝીન્ઝરીયા, સુનીલ મનજીભાઈ ઝીન્ઝરિયા, સુરેશ મનજીભાઈ ઝીન્ઝરિયા અને અશ્વિન વેલજીભાઈ ઝીન્ઝવાડિયા રહે બધા કોપણી તા. ધ્રાંગધ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઘાટીલા ગામની સીમમાં આરોપીઓ બાઈક સાથે આવ્યા હતા અને ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની કેનાલ પર મુકેલ પાણી પાવાના ડીઝલ મશીનમાંથી ડીઝલ ચોરી કરતા હોય પોલીસે સ્થળ પર રેડ દરમિયાન આરોપી સુમિત ઝીઝરિયાને ઝડપી લઈને પ્લાસ્ટિક કેરબામાં રહેલ આશરે બે લીટર ડીઝલ કીમત રૂ ૧૯૫ અને છરી કબજે લીધી હતી અન્ય ઈસમો બાઈક લઈને નાસી ગયા હતા માળિયા પોલીસે ડીઝલ ચોરીની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે