અધિક માસની અમાસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત 20 માતાઓનું સન્માન અને સેવા કાર્ય

 

અધિક માસની પવિત્ર અમાસના અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તેના “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત 20 જરૂરિયાતમંદ માતાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંદુ ધર્મમાં અધિક માસની અમાસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આ દિવસે દાન, પુણ્ય, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. વડીલો અને માતૃશક્તિની સેવા કરવી એ સર્વોત્તમ પુણ્ય માનવામાં આવે છે. આ ભાવનાને સાકાર કરતાં મુસ્કાન વેલફેર સોસાયટીએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ભોજન કરાવ્યું હતું. ઉપરાંત તમામ 20 માતાઓને દૈનિક જીવન માટે ઉપયોગી એવી બેઝિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને દરેક માતાને એક છત્રી તેમજ ગરમીથી રાહત મળે તે હેતુથી શરબતની બોટલ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમાજના વડીલો અને માતૃશક્તિ પ્રત્યે માન, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મુસ્કાન વેલફેર સોસાયટીનો આ એક નમ્ર પ્રયાસ હતો. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આવા અનેક સેવાકીય અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.