


દારૂની લતના કારણે વિખેરાવના આરે પહોંચી ગયેલા એક પરિવારને નવ મહિનાના સતત કાઉન્સેલિંગ, સમજાવટ અને પરિવારના સહયોગથી ફરી એક કરવામાં મોરબી મહિલા અને બાળ વિભાગ સંચાલિત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, વાંકાનેર તથા 181 અભયમ ટીમને નોંધપાત્ર સફળતા મળી છે.
વર્ષ 2025 દરમિયાન એક મહિલાએ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે તેમના પતિ નબળી આર્થિક પરિસ્થિતિ અને દારૂડિયા મિત્રોના સંપર્કમાં આવી દારૂના વ્યસની બની ગયા હતા. જેના કારણે ઘરમાં સતત ઝઘડાઓ થતા હતા અને મહિલાને શારીરિક તેમજ માનસિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. મારપીટની ઘટના બાદ મહિલા પિયર જવા મજબૂર બની હતી. જોકે સાસરિયાઓએ તેમની બે દીકરીઓને સાથે મોકલવાનો ઇનકાર કરતાં મહિલાએ 181 અભયમની મદદ લીધી હતી. ટીમે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બંને દીકરીઓને માતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું હતું.
ત્યારબાદ બંને પક્ષોનું વારંવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાના પિતાએ સ્પષ્ટ શરત મૂકી હતી કે જમાઈ સંપૂર્ણપણે દારૂ છોડે અને ભવિષ્યમાં ફરી દારૂ નહીં પીવે તેની પરિવારના વડીલો બાહેંધરી આપે તો જ સમાધાન કરવામાં આવશે. આશરે નવ મહિનાના સતત પ્રયાસો દરમિયાન બંને દીકરીઓના ભણતર અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિએ દારૂ છોડવાનો સંકલ્પ કર્યો હતો, જ્યારે પરિવારના વડીલોએ પણ તેની જવાબદારીની બાહેંધરી આપી હતી. અંતે બંને પક્ષોની સંમતિથી સુખદ સમાધાન થયું અને મહિલાએ પોતાના પરિવાર સાથે ફરીથી જીવનની નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો.
આ સમગ્ર કામગીરીમાં 181 અભયમના જાગૃતિબેન ભુવા તેમજ પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર વનિતાબેન સોલંકી અને તેજલબા ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના સમાજને સંદેશ આપે છે કે ધીરજ, સંવાદ, સતત કાઉન્સેલિંગ અને પરિવારના સહયોગથી તૂટતા સંબંધોને પણ ફરી મજબૂત બનાવી શકાય છે.