



કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ અંતર્ગત હળવદ શહેરી વિસ્તારમાં આવેલ પ્રા. શાળાઓમાં બાળકોને રંગેચંગે પ્રવેશ કરાવ્યા બાદ મંત્રી અને અન્ય આગેવાનો હસ્તે હળવદ નગરપાલિકાની શાળા નં. ૩, ૧૧ અને ૫ મળી કુલ ત્રણ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશાર્થી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી કુમાર ૩૬, કન્યા ૩૫ મળી કુલ ૭૧ બાળકોને પ્રથમ ધોરણમાં રંગેચંગે પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે આંગણવાળીના ૪૪ નાના ભુલકાઓને રમકડા કીટ અર્પણ કરી પ્રવેશ કરાવાયો હતો. જ્યારે ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાઈકલો અર્પણ કરાઈ હતી તથા તેજસ્વી બાળકોને પુસ્તકો અને કન્યાઓને વિદ્યાલક્ષી બોન્ડ અર્પણ કરાયા હતા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ વેળાએ મંત્રીશ્રીના હસ્તે જે તે શાળાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિસ્તારના વયોવૃદ્ધ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

