

ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચની માંગણી સાથે ત્રણ દિવસથી હડતાલ પર છે જેના પરિણામે નગરજનોની પ્રાથમિક સુવિધાઓ પર વિપરીત અસર પડી છે તેમજ આગામી દિવસોમાં નગરપાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે જેથી પ્રજાની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ જાય તે પૂર્વે કર્મચારીઓની માંગ સંતોષવાની માંગ કરી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ રાજ્યના સીએમને પત્ર પાઠવીને જણાવ્યું છે કે પાલિકાના કર્મચારીઓની હડતાલથી સફાઈ, પાણી વિતરણ, ગટર વ્યવસ્થા તેમજ રોજબરોજના દાખલાઓ સહિતના કામો ખોરંભે ચડ્યા છે. તેમજ વહીવટી કામગીરી જેવી કે વેરા વસુલાત કામગીરી પર પણ અવળી અસરો જોવા મળી રહી છે. અને પાલિકાના કર્મચારીઓની હડતાલ ચાલુ રહેશે તો પ્રજાની સુખ સુવિધા છીનવાઈ જશે જેથી કર્મચારીઓની વ્યાજબી માંગ ઉકેલવા વાટાઘાટો કરવાના દ્વાર ખોલી કર્મચારીઓની સંભવિત અચોક્કસ મુદતની હડતાલ ટાળવી અનિવાર્ય છે. વધુમાં જણાવ્યું છે કે મોરબી સહીત સૌરાષ્ટ્રની ૫૪ જેટલી નગરપાલિકા કર્મચારીઓ છેલ્લા ૩ દિવસથી હડતાલ પર હોવાથી નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ છીનવાઈ છે. જેથી સરકાર નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે અને કર્મચારીઓના પ્રશ્નનો સુખદ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી કે.