


વાંકાનેરના લાલપર ગામે મૈત્રીકરારના મનદુઃખમાં એક પ્રૌઢ પર કુહાડીના ઊંધા ઘા અને લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભત્રીજીએ કરેલા મૈત્રીકરારનો ખાર રાખીને બે શખ્સોએ રસ્તામાં બાઇક રોકી પ્રૌઢને બેફામ માર માર્યો હતો.

વાંકાનેરના લાલપર ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા ૫૧ વર્ષીય સલીમભાઇ નુરમામદભાઇ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી મુરાદખાન અલીખાન પઠાણ તથા મુનિરખાન મુરાદખાન પઠાણ (બંને રહે. પાજ, તા. વાંકાનેર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની ભત્રીજી આરોપી મુરાદખાનના દીકરા નાસિર સાથે મૈત્રીકરાર કરી રહેતી હોય, જેનો ખાર રાખી આરોપીઓએ ઝઘડો કર્યો હતો. ફરિયાદી જ્યારે મહિકા ગામથી પોતાનું મોટરસાયકલ લઈને પરત આવી રહ્યા હતા, ત્યારે લાલપર ગામે બિસ્મીલ્લાહ હોટેલ પાસે આરોપીઓએ તેમને રસ્તામાં ઊભા રાખ્યા હતા. ત્યારબાદ આરોપી મુરાદખાને કુહાડીનો ઊંધો ઘા ફરિયાદીના માથાના ભાગે ઝીંકી દીધો હતો, જ્યારે આરોપી મુનિરખાને લોખંડના પાઇપ વડે આડેધડ ઘા મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ફરિયાદીને માથામાં, જમણા હાથે તથા જમણા પગે સામાન્ય ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.