

હળવદ પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે લેવામાં આવેલા કડક પગલાંના ભાગરૂપે હદપાર કરાયેલા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. દેશી દારૂના વેચાણ અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમને છ મહિના માટે વિવિધ જિલ્લાઓમાંથી હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ આ હુકમનો અનાદર કરી તે વિસ્તારમાં ફરી પ્રવેશતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, હળવદના ચરાડવા ગામે રહેતા અનીલ હસુભાઇ ચૌહાણ વિરુદ્ધ અગાઉ દારૂના ગુનાઓને ધ્યાને લઈ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતા તેને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર/ગ્રામ્ય, અમદાવાદ શહેર/ગ્રામ્ય, ગાંધીધામ-કચ્છ, પાટણ અને જામનગર એમ કુલ ૯ જિલ્લાઓની હદમાંથી છ માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસને મળેલી બાતમીના આધારે હળવદ-અમદાવાદ હાઈવે બાયપાસ ત્રણ રસ્તા પાસેથી તે મળી આવતા પોલીસે હદપારી શરત ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.


