માળિયા: પૈસાની લેતીદેતીમાં યુવાનની કરપીણ હત્યા કરનાર છ ઇસમોને પોલીસે દબોચી લીધા


માળિયા-હળવદ હાઈવે પર અણીયારી ટોલનાકા પાસે પૈસાની લેતીદેતીના મામલે થયેલી લોહિયાળ અથડામણમાં એક યુવાનની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. જોકે, માળિયા પોલીસે આ મામલે અત્યંત સક્રિયતા દાખવી ગણતરીની કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર સહિત તમામ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મોરબીના આલાપ પાર્કમાં રહેતા વિવેક વિનોદભાઈ પટેલ અને તેમના મિત્રો જ્યારે અણીયારી ટોલનાકા પાસે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીના મોકલેલા પાંચ શખ્સો છરીઓ સાથે તૂટી પડ્યા હતા. જૂની લેતીદેતીનો ખાર રાખી રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણે અનીલ હરીલાલ કંડિયા પર છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અનીલભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધાતા જ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ આદરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે શિવમ રબારી સહિત તમામ છ આરોપીઓને હત્યાના ગુનામાં વપરાયેલ ઇકો ગાડી નં-GJ-36-B-3749 સાથે દબોચી લીધા છે. હાલ માળિયા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


