


ઓવરલોડ ડમ્પરોના ત્રાસ સામે તંત્ર લાલ આંખ, શિવ સ્ટોન, ઉમા સ્ટોન અને જેઠવા સ્ટોનને અલ્ટીમેટમ
હળવદ તાલુકાના સાપકડા ગામ જેઠવાની ધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાંચ નર્મદા કેનાલને થયેલા નુકસાનના મામલે આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. કેનાલના પાળામાં તિરાડો પડવા અને ક્ષતિગ્રસ્ત થવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા બાદ સંબંધિત અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેક સ્કોરીના કારખાનાઓમાંથી નીકળતા ઓવરલોડ ડમ્પરોની અવરજવરને કારણે કેનાલના પાળાને નુકસાન થતું હોવાનું સામે આવતા ત્રણ કારખાનેદારોને નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શિવ સ્ટોન, ઉમા સ્ટોન અને જેઠવા સ્ટોનના સંચાલકોને સત્તાવાર નોટિસ પાઠવી છ દિવસની અંદર ઓવરલોડ ડમ્પરોની અવરજવર અને નિયમભંગ બંધ કરવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્રે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો નક્કી કરેલી સમયમર્યાદામાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત સંચાલકો સામે પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નર્મદા કેનાલ ખેડૂતો માટે જીવનદોરી સમાન ગણાય છે. આવી સ્થિતિમાં કેનાલના પાળાને થતા નુકસાનને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી. કેનાલની સલામતી અને સિંચાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રે હવે કડક વલણ અપનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક સ્તરે લાંબા સમયથી ઓવરલોડ ડમ્પરોના ત્રાસ અંગે રજૂઆતો થતી હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જો કેનાલને વધુ નુકસાન પહોંચશે તો હજારો એકર ખેતી અને સિંચાઈ વ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. તેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા પણ માંગ ઉઠી રહી છે.
મયુર રાવલ હળવદ

