

વીજ કંપનીના અન્યાયની સામે ન્યાયની માંગ સાથે મોરબીમાં ખેડૂત આંદોલનનો જુવાળ વધુ તીવ્ર બન્યો છે. જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વેગ આપવા અને આંદોલનકારીઓનો ઉત્સાહ વધારવા માટે ગત રાત્રે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોનો એવો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યો હતો કે ગામના પાદર સુધી માત્ર માનવ મહેરામણ જ નજરે પડતું હતું. ભીડ એટલી પ્રચંડ હતી કે આયોજકો દ્વારા કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પણ ટૂંકી પડી ગઈ હતી.

બે દિવસ પહેલા ‘પાટીદાર યુવા સંઘ’ દ્વારા તમામ ખેડૂતો અને યુવાનોને મોટી સંખ્યામાં જેતપર પહોંચવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. આ હાકલની વ્યાપક અસર ગત રાત્રિના કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય સમાજના ખેડૂતોએ એકજૂથ થઈને આંદોલનને પોતાનું મક્કમ સમર્થન જાહેર કર્યું હતું.
રાત્રિના આ ડાયરામાં જાણીતા લોકકલાકાર હકાભા ગઢવીએ સ્ટેજ પરથી જનતાના દિલ જીતી લીધા હતા. તેમણે ભૂતકાળના એક કિસ્સાને યાદ કરતા જણાવ્યું કે, ચાર-પાંચ મહિના પહેલાં તેમને કોઈકે એવી ચેલેન્જ આપી હતી કે તેઓ ખેડૂતોના કાર્યક્રમો કરવા માટે બમણી ફી વસૂલશે. આ પડકારનો જડબાતોડ જવાબ આપતાં હકાભાએ જેતપરનો આખો પ્રોગ્રામ તદ્દન મફત આપ્યો હતો. એટલું જ નહીં, તેમણે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે તેઓ જીવશે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના હિત માટેના તમામ પ્રોગ્રામ વિનામૂલ્યે કરશે.
કાર્યક્રમના અંતમાં હકાભા ગઢવીએ ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે સંવેદનશીલ અભિગમ દાખવતા સરકારને એક ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂત એ સાચા અર્થમાં ‘જગતનો તાત’ છે અને દેશનો દરેક નાગરિક જ્યારે સવાર-સાંજ ભોજન લે છે ત્યારે તેને ખેડૂતની મહેનત યાદ આવે છે. ‘જય જવાન, જય કિસાન’ના સૂત્રને દોહરાવતા તેમણે ઉમેર્યું કે જો દેશનો અન્નદાતા મુશ્કેલીમાં રહેશે તો રાષ્ટ્રનું કલ્યાણ ક્યારેય સંભવ નથી. સરકારે ખેડૂતોની વેદના સમજીને તેમને સત્વરે યોગ્ય ન્યાય આપવો જોઈએ.
