હળવદમાં વેલનાથબાપુની જન્મજયંતિ નિમિત્તે ઠાકોર સમાજની ભવ્ય શોભાયાત્રા

ઢોલ-નગારાના નાદ, ભજન-કીર્તન અને જયઘોષ વચ્ચે નગરમાં સર્જાયો ભક્તિમય માહોલ

 

 

હળવદ શહેરમાં વેલનાથબાપુની જન્મજયંતિ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન વેલનાથબાપુના જયઘોષ, ભજન-કીર્તન તેમજ ઢોલ-નગારાના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આકર્ષક શણગારેલી ઝાંખીઓ, ધાર્મિક ધ્વજ અને પરંપરાગત વેશભૂષામાં જોડાયેલા ભક્તોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

 

માર્ગમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડા પાણી અને શરબત સહિતની સેવા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વેલનાથબાપુના આદર્શો સમાજમાં એકતા, સેવા અને ધાર્મિક સંસ્કારોને મજબૂત બનાવે છે. જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રાએ સમાજમાં ભક્તિ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.