

હળવદ: આસ્થાના MD અને યુવા ઉદ્યોગપતિ દિવ્યાંગ જશુભાઈ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જન્મદિવસ નિમિત્તે તેમણે સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે ખુશીઓ વહેંચી બાળકોને મનપસંદ કપડાંનું વિતરણ કર્યું હતું. આ સાથે બાળકોને મેળાની મોજ પણ કરાવવામાં આવી હતી.
સામાન્ય રીતે જન્મદિવસ કે તહેવારોની ઉજવણીમાં પાર્ટી, ફટાકડા સહિતના બિનજરૂરી ખર્ચ કરવામાં આવે છે. ત્યારે દિવ્યાંગભાઈ પટેલે પોતાની ખુશીને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો સેવાભાવી અભિગમ અપનાવી સમાજ સમક્ષ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.
જરૂરિયાતમંદ પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ બાળકોને જાતે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવા કપડાં મળતા બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. ત્યારબાદ બાળકોને મેળામાં લઈ જઈ વિવિધ રાઈડ્સની મોજ કરાવવામાં આવી હતી. બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેમના આશીર્વાદથી જન્મદિવસની ઉજવણી વધુ યાદગાર બની હતી.
‘ઉજવણી એવી કે ખુશી બીજાના ચહેરા પર દેખાય’
દિવ્યાંગભાઈ પટેલની આ પહેલ દ્વારા જન્મદિવસ અને તહેવારોની ઉજવણી માત્ર પોતાના પૂરતી સીમિત ન રાખી, સમાજના આર્થિક રીતે નબળા વર્ગ સાથે પણ ખુશીઓ વહેંચી શકાય તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે. આજના સમયમાં યુવાનોમાં દેખાડા અને બિનજરૂરી ખર્ચનું પ્રમાણ વધતું જોવા મળે છે, ત્યારે દિવ્યાંગભાઈ પટેલે સેવા અને માનવતાને પ્રાધાન્ય આપી અનોખી ઉજવણી કરી હતી. તેમની આ સેવાભાવી પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી. “પોતાની ખુશીમાં બીજાને સહભાગી બનાવવી એ જ સાચી ઉજવણી” — દિવ્યાંગભાઈ પટેલની પહેલે માનવતાની મહેક ફેલાવી.
મયુર રાવલ હળવદ


