શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી ૨.૪૭ કરોડની રોકડ અને ૫-૭ તોલા સોનાના દાગીનાની લૂંટ

 

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેમના નિવાસસ્થાને ત્રાટકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ આશરે રૂ. 2.47 કરોડની રોકડ રકમ તેમજ 5 થી 7 તોલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

 

ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ રાત્રે આશરે 1 વાગ્યાના સમયે બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

 

પોલીસ દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના ટેકનિકલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave A Reply

Your email address will not be published.