રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનોનું શયનાસન : ટર્મિનલમાં દૈનિક 1500 હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ

બંધ હોલમાં પડેલી અનેક નવીનકોર ખુરશીઓએ આશ્ચર્ય સર્જ્યુ

 

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી હતી. અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી -એક્ઝીટ થતા હોય ત્યાં જ શ્વાનોના શયનાસનના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે જ એરપોર્ટમાં ફ્લાઈટમાં જવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ ટર્મિનલની અંદર એક બંધ હોલમાં અનેક નવી નકોર ખુરશીઓ જોવા મળતા આશ્ચર્ય જનમ્યું છે.

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈ, 2023 ના રાજકોટ -અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક અસુવિધાઓ સામે આવતી રહે છે ત્યારે યાત્રી સેવા દિવસે જ સુવિધાઓના છીંડા સામે આવ્યા હતા. જેનાથી હવાઈ મુસાફરો પરેશાન થયા છે.

 

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતુ. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે.

 

જે બાદ એરપોર્ટ ટર્મિનલના ATC ટાવરની બાજુમાં જ એક મોટો હોલ બંધ હાલતમાં જોવા મળ્યો. જેમાં મોટી સંખ્યામાં ઓફિસ ચેર પડેલી હતી. આ ઓફિસ ચેર નવીનકોર હાલતમાં છે. મહત્વની વાત એ છે કે આટલી બધી ઓફિસ ચેરની ખરીદી શા માટે કરવામાં આવી અને ખરીદી બાદ આ ખુરશીઓ શા માટે અહીં ઉપયોગ વિનાની પડેલી છે તે સૌથી મોટો સવાલ છે.

 

Leave A Reply

Your email address will not be published.