

મોરબીના ત્રાજપર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટરસાયકલ ચાલક વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, અમ્રુતલાલ આરદેશણા નામનાં વૃદ્ધ પોતાનું મોટરસાયકલ નંબર GJ-03-BC-1461 લઈને હાઉસિંગ બોર્ડથી ત્રાજપર ચોકડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે વિશ્વકર્મા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ સામે રોડ પર એક વાહન નંબર GJ-36-X-0676 ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને સાઈડના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમ્રુતલાલને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની લીલાવંતીબેને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.


