ટંકારાના છત્તર પાસે હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ ટ્રક અથડાયો: ચાલકનું મોત

મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારાના છત્તર ગામ નજીક રોડ વચ્ચે જોખમી રીતે ઉભેલા ટ્રક પાછળ અન્ય એક ટ્રક ભટકાવવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. વહેલી સવારના અંધારામાં કોઈ પણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે આડસ વગર રોડ વચ્ચે વાહન ઉભું રાખનાર ટ્રક ચાલક સામે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મૂળ બિહારના અને હાલ મુંદ્રા ખાતે રહેતા ઉપેન્દ્રભાઇ રાય પોતાની અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ-39-T-0160 લઈને મુંદ્રાથી જૂનાગઢ જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારના આશરે પોણા છ વાગ્યાના અરસામાં શિવમ કોલ્ડ સ્ટોરેજ પાસે અન્ય એક ટ્રક નંબર GJ-10-Z-5788 નો ચાલક પોતાનું વાહન રોડની જમણી સાઈડ ડિવાઈડર પાસે બંધ હાલતમાં ઉભું રાખીને ગયો હતો. અંધારામાં આ ટ્રકની કોઈ પાર્કિંગ લાઈટ ચાલુ ન હોવાથી પાછળથી આવતા ઉપેન્દ્રભાઇને તે દેખાયો નહોતો અને તેમનો ટ્રક ધડાકાભેર પાછળ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ઉપેન્દ્રભાઇને ગંભીર મુંઢ ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. મૃતકના પિતરાઈ ભાઈ રાજુભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.