

શહેરની ઐતિહાસિક વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં વર્ષ ૧૯૭૬ થી ૧૯૭૮ દરમિયાન હાયર સેકન્ડરી સાયન્સ પ્રવાહની પ્રથમ બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘ચતુર્થ સ્નેહ સંગમ’ વીરપર સ્થિત નાલંદા વિદ્યાલયના પરિસરમાં અત્યંત ઉત્સાહપૂર્ણ અને લાગણીસભર વાતાવરણમાં યોજાઈ ગયો.
આ સ્નેહ મિલન માટે નાલંદા વિદ્યાલયના કાર્તિકભાઈ પાંચોટિયા તેમજ ગોરધનભાઈએ ઉપસ્થિત રહી સમગ્ર પરિસરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સહૃદય આતિથ્ય પૂરું પાડ્યું હતું અને કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી હતી. પરિસરના સંચાલકો પૈકીના એક અને આ જ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી શિવલાલભાઈ સુરાણીએ સમગ્ર વ્યવસ્થા તેમજ સૌના આગતા-સ્વાગતામાં વિશેષ સિંહફાળો આપ્યો હતો.
આ એકત્રીકરણની મુખ્ય વિશેષતા એ રહી કે, પાંચ દાયકા પૂર્વે વિદ્યાદાન આપનારા આદરણીય ગુરુજનો ડો. સતીશભાઈ માંડલિક, ધામેચા સાહેબ, આડેસરા સાહેબ, ઠાકર સાહેબ, એ. એન. પટેલ સાહેબ અને વી. વી. પંડ્યા સાહેબ પોતાની જૈફ વયે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીલ વયે પહોંચેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મોટાભાગના સહપાઠીઓ સપરિવાર ઉપસ્થિત રહેતાં આ મિલન એક વિશાળ પારિવારિક મહોત્સવમાં ફેરવાઈ ગયું હતું. સવારે ૯:૦૦ કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં સ્વપરિચય, શાળાકાળના સંસ્મરણો, ૭૦ના દાયકામાં મર્યાદિત સાધનો વચ્ચે શિક્ષણ મેળવીને આજે સામાજિક-આર્થિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની પ્રેરક વાતો, ગુરુજનોનું માર્ગદર્શન તેમજ હળવા સંગીત અને કૃતિઓની પ્રસ્તુતિ થઈ હતી.
આ અવસરે ઉપસ્થિત તમામ ગુરુજનો, વિદ્યાર્થીઓ અને અતિથિઓને આ સંમેલનની કાયમી યાદગીરી રૂપે એક સુંદર સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ગુરુવર્ય ડો. સતીશભાઈ માંડલિક દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રીના ગીતો-કાવ્યોનો સંગ્રહ ધરાવતું પુસ્તક ‘તારો મને સાંભળશે સથવારો’ તમામ ઉપસ્થિતોને સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ ફીલ્મી ગીતો તથા પારંપરિક રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને સ્વાદિષ્ટ અલ્પાહાર માણી, જૂની સ્મૃતિઓ તાજી કરી ભાવભીની વિદાય લીધી હતી.

