




મોરબીના વિજય ટોકીઝ ચાર રસ્તા પાસે ગત ૨૮ ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક દોડતી એમ્બ્યુલન્સ અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલકે અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સમાં અંદર બેઠેલાં મહિલા કર્મચારી યશવંતીબેન ડાહયાભાઈ દાફડા જોરથી અથડાયા હતા, જેના કારણે તેમને માથાના ભાગે મૂઢ ઈજા તથા કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવની વિગતો મુજબ, શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા યશવંતીબેન ડાહયાભાઇ દાફડાએ મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એમ્બ્યુલન્સ રજી.નં.GJ36-G-0317 વાળાના ચાલક મનીષભાઇ જગદીશભાઇ પડાયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, વિજય ટોકીઝ ચાર રસ્તા પાસે જીજે-૩૬-જી-૦૩૧૭ નંબરની એમ્બ્યુલન્સના ચાલક આરોપી મનીષભાઈએ પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રોડની બીજી સાઈડથી આવતી જીજે-૧૦-ઈસી-૬૯૨૧ નંબરની સ્વીફ્ટ કાર સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ અચાનક બ્રેક મારવાને કારણે એમ્બ્યુલન્સમાં બેઠેલાં ફરિયાદી એમ્બ્યુલન્સના મહિલા કર્મચારી (એમ.ટી.) યશવંતીબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે આ મામલે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે.
