




મોરબીના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ પંપ પર નોકરી કરતા યુવક પર લોખંડના ધોકા વડે માર માર્યો હતો.
બનાવની વિગતવાર માહિતી મુજબ, મોરબીના વીશીપરા વિસ્તારમાં રહેતા અને રામકૃપા પેટ્રોલ પંપ પર પ્રાથમિક નોકરી કરતા યુવરાજભાઇ દિલીપભાઇ પરમારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જયભાઇ ભરતભાઈ રાબા, રાજભાઇ પરમાર, નદીમ શેખ, વસીમ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે ફરિયાદી પંપ પર હાજર હતા. તે દરમિયાન આરોપી જય રાબા પોતાની ગાડી લઈને પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. ફરિયાદીએ ગાડી થોડી આગળ લેવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપી જયએ અન્ય ત્રણ શખ્સો રાજ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ સાથે ફરી પેટ્રોલ પંપ પર આવ્યા હતા. આરોપી જયએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાનો ઘા ફરિયાદીના માથામાં મારી ગંભીર મુંઢ ઇજા પહોંચાડી હતી. આ સાથે જ આરોપીઓએ ફરિયાદીની જાતિ પૂછીને અપમાનિત કર્યા હતા અને સાહેદોની હાજરીમાં ગાળો આપી ઉપાડી જવાની ધમકી આપી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
