




મોરબી શહેરના નાગરિકો પોતાના ઘર આંગણે જ તાજા અને સાત્વિક શાકભાજી ઉગાડીને કિચન ગાર્ડનીંગનો આનંદ માણી શકે તે માટે સરકારના બાગાયત ખાતા દ્વારા પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ‘કેનીંગ અને કીચન ગાર્ડન’ યોજના અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર આંગણે કે ધાબા પર બાગાયત વાટિકા ઊભી કરવાના હેતુથી રાહત દરે વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ ભીંડો, ગુવાર, રીંગણા, મરચા, ટામેટા, સુરતી પાપડી, દૂધી, તુરીયા, કાકડી, પાલક, મેથી અને ધાણા સહિતના વિવિધ શાકભાજીના બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બિયારણ વિતરણની સાથે સાથે નાગરિકોને કીચન ગાર્ડનીંગ સુચારુ રીતે કરવા માટે જરૂરી તમામ તાંત્રિક માર્ગદર્શન પણ પૂરૂં પાડવામાં આવશે. આ લાભ મેળવવા ઇચ્છુક શહેરીજનોએ ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તથા ફોન નં. ૦૨૮૨૨-૨૪૧૨૪૦’ નો સંપર્ક કરવા નાયબ મોરબી બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
