

જૂની અદાવતનો ખાર રાખીને યુવક પર લોખંડના ધણ અને પાઇપ વડે જાનલેવા હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાવડી રોડ પર મનીષ વિદ્યાલય સામે બનેલી આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ, મોરબીના વાવડી રોડ પર આવેલી સુમતીનાથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ જલાભાઈ દેવસુર નામના ૨૮ વર્ષીય યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ (ઉર્ફે સલો), બાબુ સંધી અને મકબુલ સંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદીને આરોપીઓ સાથે આજથી પાંચ-છ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, જે અંગે ફરિયાદ પણ થઇ હતી. દરમિયાન બે દિવસ પહેલાં બંને પક્ષો સામસામે આવી જતાં કાતરૂં મારવા મુદ્દે મનદુખ થયું હતું. આ જ અદાવતમાં વાવડી રોડ પરથી પસાર થઈ રહેલા ફરિયાદીને ત્રણેય આરોપીઓએ ઘેરી લીધો હતો અને લોખંડના ધણ તથા પાઇપ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં યુવકના જમણા પગે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ ડાબા પગ અને ખંભાના ભાગે પણ માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં આ મામલે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.