મોરબીમાં કાળઝાળ ગરમી: જાણો સ્વાસ્થ્ય માટે શું સાવચેતી રાખવી અને શું ટાળવું?

રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસરો હવે મોરબીમાં પણ વર્તાઈ રહી છે, જેના પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં ખાસ હીટવેવ સાવચેતી સંદેશ જારી કરવામાં આવ્યો છે. શહેરમાં તાપમાનનો પારો ઊંચકાતા નાગરિકોને લૂ અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા જણાવાયું છે.

મહાનગરપાલિકાની માર્ગદર્શિકા મુજબ, નાગરિકોને તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. ગરમીથી બચવા માટે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા તેમજ બહાર નીકળતી વખતે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, આરોગ્ય જાળવવા માટે તાજો અને હળવો ખોરાક લેવો હિતાવહ છે, જેથી પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય.

બીજી તરફ, તંત્રએ બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરી છે. વધુ પડતી ચા, કોફી કે ઠંડા પીણાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી તેનું સેવન ટાળવા અને ભૂખ્યા પેટે તડકામાં ન જવા માટે પણ સૂચન કરાયું છે. જો કોઈ પણ નાગરિકને ચક્કર આવવા, ઉબકા કે અન્ય કોઈ અસ્વસ્થતા જણાય, તો વિલંબ કર્યા વગર તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.