હળવદમાં મુમુક્ષુરત્ના હિમાનીકુમારી શેઠની પ્રવજયા નિમિત્તે ભવ્ય જીનપંથોત્સવ

ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં વરઘોડા સહિત વિવિધ કાર્યક્રમો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

 

 

હળવદ ખાતે મુમુક્ષુરત્ના હિમાનીકુમારી (મીનુ) શેઠની પ્રવજયા નિમિત્તે ત્રિદિવસીય જીનપંથોત્સવ ધામધૂમપૂર્વક અને ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. આ અવસરે શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ઉત્સવના પ્રારંભે સવારે મંગલ પ્રભાતિયા સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. ગુરુ ભગવંતોની પધરામણી, પ્રસંગિક પ્રવચન, પંચકલ્યાણક પૂજા, વર્ધમાન શકસ્તવ, અભિષેક તથા પરમાત્મા ભક્તિ સ્વરૂપ ભાવનાઓ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

તા. ૨૪ના રોજ સવારે ૭:૩૦ કલાકે વરસીદાનનો ભવ્ય વરઘોડો યોજાયો હતો, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ પ્રસંગિક પ્રવચન, સંઘ દ્વારા સ્વામીવાત્સલ્ય અને નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે વસ્ત્રરંગોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ ધાર્મિક ભાવનાને વધુ પ્રગટ કરવામાં આવી હતી.

આ પવિત્ર પ્રસંગે તપસ્વી મુનિ દીપયશ વિજય મહારાજ, અમરયશા વિજયજી મહારાજ તથા પ્રશમીતાજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચનો આપ્યા હતા. હિમાનીકુમારી બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ ધરાવતી હતી અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મેળવતી હતી. અંતે તેમણે સંયમ અને ત્યાગનો માર્ગ અપનાવી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો.મુંબઈ ખાતે ૧૩મી  મેં ના રોજ યોજાનારા દીક્ષા મહોત્સવમાં હિમાનીકુમારી સાંસારીક જીવનનો ત્યાગ કરી આધ્યમિક માર્ગ પ્રવેશ કરશે.આ દીક્ષા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે દીક્ષા વિધિ બાદ હિમાનીકુમારી સંપૂર્ણ રીતે સંસારિક જીવનનો ત્યાગ કરી પ્રભુના માર્ગે આગળ વધશે. આ સમગ્ર પ્રસંગને લઈ હળવદ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

 

કાર્યક્રમના આયોજનમાં માતૃ સંતોકબેન મગનલાલ ત્રિભોવનદાસ શેઠ પરિવાર, દિનમણીબેન હર્ષદરાય મગનલાલ શેઠ (ટીકર) તથા સમગ્ર જૈન સ્વીટ ગ્રુપ, હળવદ…

 

આ સમગ્ર મહોત્સવ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બની રહ્યો હતો, જેમાં શહેરના જૈન સમાજે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.